એક લગ્ન ગીત ———દીપક ત્રિવેદી
પીળી દાંડીની થાંભલિયુ, લીલી પાંદડિયુંનો છાંયો …
હમચો માણેકથંભ રોપાયો ….
વાયુ હરખપદુડો વા’યો ….
હરખે હેત હિલોળાં લેતી, પાંચેપાંચ આંગળી બોળી …
ખોલી કંકુ વરણી ઝોળી …
ચોખા સાથે બોળી બોળી ….
કેસરવરણો સાફો પડદુક ,પડદુક આંખોને ઢંઢોળી …
અચકો પાંપણસોતી ચોળી …
મચકો ગલગોટે ઝબકોળી …
છલ્લક દરિયાઈ ઘુમ્મરિયું મલ્લક ભમ્મરિયો પડછાયો …
હમચો માણેકથંભ રોપાયો ….
વાયુ હરખપદુડો વા’યો ….
પીળી દાંડીની થાંભલિયુ, લીલી પાંદડિયુંનો છાંયો …
હમચો માણેકથંભ રોપાયો ….
વાયુ હરખપદુડો વા’યો ….
રાતી તલવાર્યું બંબોળ , હાલર હુલર જોડી જાન …
તા થૈ તડકો ભીનેવાન …
તા થૈ ફૂટે લીલું પાન …
અધમણ ઉડે રે ગુલાલ, અધમણ ગીતો ઉંધેકાન્ધ …
અમરો કંકુનું તોફાન …
ડમરો ઝમ્મક-છમ્મક ગાન …
ફૂટી તકધિનાધિન પરિયું ,રંગે હાથ પછી ઝડપાયો ,
હમચો માણેકથંભ રોપાયો ….
વાયુ હરખપદુડો વા’યો ….
પીળી દાંડીની થાંભલિયુ, લીલી પાંદડિયુંનો છાંયો …
હમચો માણેકથંભ રોપાયો ….
વાયુ હરખપદુડો વા’યો ….
—————દીપક ત્રિવેદી
No comments:
Post a Comment