Monday, February 4, 2013

રસિયા તારા ચોકમાં ————દીપક ત્રિવેદી

રસિયા તારા ચોકમાં ————દીપક ત્રિવેદી

રસિયા ! તારા ચોકમાં રમ્મવાને રાસ -
ઝાંઝર મેં તો પગમાં બાંધ્યા રે લોલ !
રસિયા ! તારા હાંફવાને લગતા ઈ શ્વાસ -
ઝબફ દઈ હાથે ઝાલ્યા રે લોલ !

રસિયા ! તારા હેમ – હિંડોળે આજ -
હીંચકવા હેલે ચડી રે લોલ !
રસિયા ! તારા અંતરભીના સાજ -
ઉઘાડી હું દડદડ દડી રે લોલ !

રસિયા ! તારા ઊંચેરા અજવાસ -
ધબકતાં સાગર સમા રે લોલ !
રસિયા ! તારા રૂપકડાં આવાસ -
રણકતાં ઝાંઝર સમા રે લોલ !

રસિયા ! તારા રંગ ભીના અણસાર -
ઝીલીને મેં કમખે ટાંક્યા રે લોલ !
રસિયા ! તારા ઉછીના ધબકાર -
પાલવડે બાંધી રાખ્યા રે લોલ !

રસિયા ! તારા ચોક્માં રમ્મવાને રાસ -
ઝાંઝર મેં તો પગમાં બાંધ્યા રે લોલ !

——————-દીપક ત્રિવેદી

No comments:

Post a Comment