Thursday, February 21, 2013

કવિતા પર જુલમ કરતા કવિને ----દીપક ત્રિવેદી

કવિતા  પર  જુલમ કરતા કવિને ----દીપક  ત્રિવેદી

શબ્દચોકમાં    સળગાવો    રે    મીણબતી     વણઝાર
એક    કવિતા    દોડી   ગઈ    સમદરની    પેલે   પાર

દરિયાને    પૂછ્યું     તો    દરિયો    અંગુઠો    બતલાવે
વ્રુક્ષ  - પર્ણ   પણ  મુંગામંતર  બિન  પાણી  મર   જાવે

હાથવેંતમાં     લઇ     આવો     ઝાંઝરિયાનો    આધાર
એક    કવિતા    દોડી   ગઈ    સમદરની    પેલે   પાર

હશે     સામને     કાંઠે   કે   ધરતીમાં   ગઈ    સમાઈ  ?
રજવાડી    શબ્દોની     અંદર    ડૂસકાતી     પરછાઇ !!

પડછાયામાં    હોઈ    શકે    ના    પગલાંનો   આધાર !
એક    કવિતા    દોડી   ગઈ    સમદરની    પેલે   પાર !

અરધો   કાંઠો    ડહોળો   કે    અમૃતનો    આખો     કૂંપો
છેક  સમયની  સોંસરવા   જઈ  ગળા  સુધી  તો   ખૂંપો !

તમે    કવિતા   પામી   શકશો     ક્ષણમધ્યે    ઝંકાર ...
એક    કવિતા    દોડી   ગઈ    સમદરની    પેલે   પાર.

------------દીપક ત્રિવેદી

No comments:

Post a Comment