Monday, February 4, 2013

ગધના – ગધનીનાં ગીતો ——————દીપક ત્રિવેદી

ગધના – ગધનીનાં ગીતો ——————દીપક ત્રિવેદી
ગધનાની આંખોમાં છલકે સરવરિયા બે-ચાર, ગધની એમાં ડૂબી જાય …
ગધનો ખીલે સોળકળાયે નદિયુંની મોજાર … ગધની એમાં ડૂબી જાય …
કમળ એટલે ગધનો
ગધની કમળ પાંદડી જેવી !
વમળ એટલે ગધનો
ગધની ગતિશાસ્ત્રની દેવી !!
ગધનો ઝીલે ઝરમર ઝરમર વરસે અનરાધાર … ગધની એમાં ડૂબી જાય ..
ગધનાની આંખોમાં છલકે સરવરિયા બે – ચાર … ગધની એમાં ડૂબી જાય …..
કોઈ બગીચો ગધનો
ગધની એના ફરતી વંડી !
મઘમઘ જંગલ ગધનો
ગધની એની તો પગદંડી !
ગધનો ફુગ્ગો ફૂલણશીનો ફૂટે પારાવાર … ગધની એમાં ડૂબી જાય …
ગધનો ખીલે સોળકળાએ નદીયુંની મોજાર .. ગધની એમાં ડૂબી જાય ..
શબદ એટલે ગધનો
ગધની થાતી કનોમાતર !
પવન એટલે ગધનો
ગધની એના ફરતી ચાદર !
ગધનો અરધો પાણી જેવો અરધો છે પગથાર … ગધની એમાં ડૂબી જાય …
ગધનાની આંખોમાં છલકે સરવરિયા બે – ચાર … ગધની એમાં ડૂબી જાય …
——————દીપક ત્રિવેદી

No comments:

Post a Comment