Monday, February 4, 2013

શબ્દપિંડની એક છોકરી ———–દીપક ત્રિવેદી

શબ્દપિંડની એક છોકરી ———–દીપક ત્રિવેદી
એ …..ય ….છોકરી –
આંખ્યુનાં ઉલાળે હીંચકા ખાય
ઝૂલ્ફોના ઉછાળે હીબકાં ખાય …..
એ ….ય ….છોકરી –
હેઈસો …હેઈસો …નાદ વચ્ચાળે ફુલગુલાબી
હેઈસો …હેઈસો …સાંજકટાણે ફુલગુલાબી
એ …ય …છોકરી –
નાવ ડૂબે છે , પગ ધ્રુજે છે ,લે હલ્લેસું !
અંદરખાને , કાંઈ સુઝે છે , લે હલ્લેસું !
એ …ય …છોકરી –
હળવેથી હાલ,વ્હાલ ઢોળાતું જાય, તારા ઝાંઝરે
હળવે પંપાળ, કેશ હળવેથી ઢાળ, તારા પાદરે
એ …ય …છોકરી –
જરા પાંપણ પટકાવ, એક સુંદરવન થાવ ઓ પરિન્દા !
અહીં નાખો પડાવ, ગીત ગુલાબી ગાવ ઓ પરિન્દા !
એ …ય …છોકરી –
કોઈ સપના વીંટાળો
ડાળ ઝૂલમ્ – ઝૂલે
કોઈ બાંધોને માળો
ડાળ ઝૂલમ્ – ઝૂલે
એવો આવ્યો ઉનાળો
ડાળ ઝૂલમ્ – ઝૂલે
કોઈ કૂવાને ગાળો
ડાળ ઝૂલમ્ – ઝૂલે
એ …ય …છોકરી –
ઉખાણું મેલ તારા વીંટી – વલયમાં …
શૂન્યને ધકેલ તારાવીંટી -વલયમાં …
એ …ય …છોકરી –
વલય એટલે લયનો ચાળો
વલય એટલે એક ઉછાળો
વલય એટલે બમ્-બમ્ ભોલે
વલય એટલે જીવતર ઝોલે
વલય એટલે પડઘા-પાતર
વલય એટલે કાનો – માતર
વલય એટલે વલય – વલય
વલય એટલે પ્રલય – પ્રલય
એ …ય …છોકરી–
પ્રલય – પરિન્દા તું પ્રલયરૂપ અવતાર
નાદબ્રહ્મમાં તું અહો – રૂપ આધાર
એ …ય …છોકરી –
નાદબ્રહ્મ નાભિનો જળમાં
શિવ-સરીખો શબ્દ કમળમાં
શબ્દ ઝીલવો અનરાધારે
શબ્દ ઝીલવો હારે – હારે !
શબ્દપિંડની એક છોકરી
શબ્દપિંડની એક છોકરી
એક છોકરી
એ …ય …છોકરી –
હે !! છોકરી …..
————દીપક ત્રિવેદી

No comments:

Post a Comment