Friday, February 8, 2013

અંધકારના કવિ અમે ——–દીપક ત્રિવેદી


અંધકારના કવિ અમે ——–દીપક ત્રિવેદી
અંધકારના કવિ અમે તો અંધકારને વરિયે !
અંધકારનાં સાથળ ઉપર ઠીક પડે તે કરિયે
અંધકાર તો દરિયો ….
અંધકાર તરવરિયો …..
અંધકાર સાંવરિયો …..
અંધકારની છાતી ઉપર અંધકાર પાથરિયે !
અંધકારની ચાબૂક ઝાલી રથમાંથી ઉતરિયે !
અંધકાર તો ખણખણ …..
અંધકાર તો ધણણણ ……
અંધકાર તો જણણણ ……
અંધકાર ને ક્યાં છે કાંઠા ભીતરમાં પરહરિયે !
અંધકારના આલિંગનમાં આવોને મધદરિયે !
અંધકાર તો હુક્કો …..
અંધકાર જળકુક્કો ……
અંધકાર નિજભુક્કો ……
અંધકારના છીએ પ્રવાસી તડકામાં થરથરિયે !
અંધકારની લિપિ ઉકેલી બાંધી દઈ ઘુઘરિયે !
અંધકાર ખીસકોલી …..
અંધકાર ઘરખોલી …..
અંધકાર રંગોલી …..
અંધકારની પાંખો વચ્ચે આંખોનું જળ ભરિયે !
અંધકારની આંગળીયેથી ક્યાં જઈને ફરફરિયે !
અંધકારના કવિ અમે તો અંધકારને વરિયે !
અંધકારનાં સાથળ ઉપર ઠીક પડે તે કરિયે !
——————-દીપક ત્રિવેદી
Posted in Uncategorized | Leave a comment

No comments:

Post a Comment