Thursday, February 28, 2013

જામનગરવાસીનું પ્રણયગીત -----------દીપક ત્રિવેદી


જામનગરવાસીનું   પ્રણયગીત -----------દીપક ત્રિવેદી

સપના  !  તારી  આંખો  જાણે   જામનગરનું   પૂર  --  અમે  હોબ્બેસ  તણાયા   છેક  વચ્ચોવચ્ચ   દરિયે  !
સપના  !  તારા  શ્વાસે  ટપકે   પંચવટી   ચોપાસ  -- અમે  તો .. હે .. ય .. તણાયા  મઘમઘતી  ઘૂઘરિયે  !

પવન ચક્કીનો  પવન સમયસર  વા'ય -- અને જો તમે ઉડો આકાશ -- લઇ જાજો રે કાગળ સખીયન .... !
પંચેશ્વરનો પડઘો જો પડઘાય--અચાનક શ્રીબાલાહનુમાન  આપણા થાય--લઇ જાજો રે શ્રીફળ સખીયન..!

સપના  ! તારા રણજિત રસ્તે  નાગમતીનું   ગામ -- અમે તો .. એ .. ય .. તણાયા નાગમતીને  તળિયે    !

થાક ચડે  તો મૂકો  હવાઈ  ચોક  -- અને ચાલો રે ઠેઠ  નગરમાં -- જ્યાં  છે  અનરાધારી  હૈયાનો વરસાદ !
લાલબંગલેથી  નીકળતા  લોક  તને  જો  પૂછે  --  તો  તું   રસ્તા  સાત   બતાવી   કહેશે  પરીકથા એકાદ !

સપના  !   તારી  આંગળિયુંમાં  કલરવતો   મનમોર -- અમે   બિન્દાસ્ત  તણાયા  જામનગરના  ફળિયે !
સપના  !  તારી  આંખો  જાણે   જામનગરનું   પૂર  --  અમે  હોબ્બેસ  તણાયા   છેક  વચ્ચોવચ્ચ   દરિયે  !

-----------દીપક ત્રિવેદી

No comments:

Post a Comment