Monday, February 4, 2013

સોનાનાં વનમાળી —દીપક ત્રિવેદી

(દક્ષિણનાં પદ્મનાભ -મંદિરમાંથી ખજાનો પ્રાપ્ત થયા બાદ)
સોનાનાં વનમાળી —દીપક ત્રિવેદી
આ કેવી ગોબાજાળી છે ?
છેક ભોંયરામાં સુતેલા સોનાનાં વનમાળી છે …!!
સોના- ચાંદી- હીરા- મોતી મબલક એના દ્વારે …
એની કૃપા અઢળક દ્વારો ખુલી ગયા અંધારે ….
હસી-ખુશીનાં વાદળ વરસ્યાં જાણે અમરત-ધારે…
આ દીવો છે કે થાળી છે ?
કોને અહીંયા એક ઈશારે ક્ષણને આમ ઉછાળી છે ?
આ કેવી ગોબાજાળી છે ?
છેક ભોંયરામાં સુતેલા સોનાનાં વનમાળી છે …!!
કોના ડૂસકાં થીજી ગયા ને કોને આવ્યાં આંસુ ?
સઘળું એક અનોખી પળમાં થયું હશે ચોમાસું ..
સ્થૂળ સ્વરૂપે રહી ગયું તે સોનું- ચાંદી- કાંસુ ….!
આ શું કલ્પવૃક્ષની ડાળી છે ?
આકાશેથી છેક ઉતારી ભંડાકિયામાં ઢાળી છે !
આ કેવી ગોબાજાળી છે ?
છેક ભોંયરામાં સુતેલા સોનાનાં વનમાળી છે …!!
કોઈ ગરીબો ધ્રુજી ગયા ને કોઈ મરણ-ને-શરણ ..
કંઈ કેટલાં સપનાઓનાં થઇ ગયા અપહરણ …
કૈક નવોઢાની પ્રતીક્ષા થીજી ગઈ એ ક્ષણ …
કો` જાદુઈ-પરી વીંટાળી છે ?
ખુલે-આમ સઘળાં લોકોની ઈચ્છાને ઓગાળી છે !!
આ કેવી ગોબાજાળી છે ?
છેક ભોંયરામાં સુતેલા સોનાનાં વનમાળી છે …!!
—-દીપક ત્રિવેદી

No comments:

Post a Comment