વિરહિણી ગીત -----------દીપક ત્રિવેદી
ઝરમર ચંદનતલાવડી કાંઠે ઊગ્યા ગુલમહોર રે ..... રામૈયારામ
આદશ - ઓદશ ચણોઠડીના ગોટા ચારેકોર રે .... રામૈયારામ
ઘરચોળાંના દેશમાં રે ઊગ્યા શુકનગીત ;
ઠણકું ખાતાં વાલમા આડી આવી ભીંત !
તડકાની પાંસળિયે ફૂટ્યાં ગલગોટાના પ્હોર રે .... રામૈયારામ
મારામાંથી બહાર કૂદતો ધ્રુજે થરથર મોર રે .... રામૈયારામ
મારા મઘમઘ શ્વાસના ફૂટેલાં ઓછાડ ;
ચકલીભીની ચીસનાં હાંફે પહાડે- પહાડ !
ઉઘાડા કંકણની ફરતે બાંધો રેશમદોર રે .... રામૈયારામ
સાંજ ઢળ્યે ઉઘાડ આભમાં માલીપા ઘનઘોર રે .... . રામૈયારામ
ઝરમર ચંદનતલાવડી કાંઠે ઊગ્યા ગુલમહોર રે ..... રામૈયારામ
-----------દીપક ત્રિવેદી
No comments:
Post a Comment